બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ
બાળકોને પોતાની સુરક્ષા વિશે યોગ્ય સમજ આપવામાં તમારું યોગદાન આપો. GSS નું પ્રશિક્ષણ પૂર્ણ કરો અને પ્રશિક્ષિત સ્વયંસેવક તરીકે સમાજમાં બાળ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવો.
બાળકોની સુરક્ષા માટે જાગૃતિ ફેલાવવામાં તમારી ભૂમિકા બનાવો
બાળકોને પોતાના શરીરની સુરક્ષા, વ્યક્તિગત મર્યાદા અને સુરક્ષિત તથા અસુરક્ષિત સ્પર્શ વિશે યોગ્ય સમજ આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
GSS દ્વારા તૈયાર કરાયેલ આ પ્રશિક્ષણ પૂર્ણ કરીને અને અંતિમ મૂલ્યાંકન સફળતાપૂર્વક પાસ કરીને તમે GSS પ્રશિક્ષિત સ્વયંસેવક તરીકે આ જાગૃતિ કાર્યક્રમ સાથે જોડાઈ શકશો.
પ્રશિક્ષણથી જાગૃતિ કાર્યક્રમ સુધી
પ્રશિક્ષણ માટે નોંધણી કરો
તમારા GSS રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા નોંધણી પૂર્ણ કરો.
પ્રશિક્ષણ પૂર્ણ કરો
GSS દ્વારા તૈયાર કરાયેલા તમામ પ્રશિક્ષણ મોડ્યુલ પૂર્ણ કરો.
અંતિમ મૂલ્યાંકન આપો
પ્રશિક્ષણ બાદ આપેલ મૂલ્યાંકન સફળતાપૂર્વક પૂર્ણ કરો.
પ્રમાણપત્ર મેળવો
સફળ મૂલ્યાંકન અને GSS Verification બાદ પ્રશિક્ષણ પ્રમાણપત્ર મેળવો.
જાગૃતિ કાર્યક્રમ યોજો
GSS દ્વારા આપવામાં આવેલી અધિકૃત સામગ્રી સાથે સમાજમાં બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજો.
સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી તમને શું મળશે?
GSS પ્રશિક્ષણ પ્રમાણપત્ર
પ્રશિક્ષણ અને અંતિમ મૂલ્યાંકન સફળતાપૂર્વક પૂર્ણ કર્યાની ઓળખ.
GSS અધિકૃત કાર્યક્રમ પત્ર
શાળા, સોસાયટી અથવા અન્ય યોગ્ય સંસ્થાને કાર્યક્રમ માટે સંપર્ક કરતી વખતે રજૂ કરી શકાય એવો પત્ર.
અધિકૃત Presentation / PDF
બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજવા માટે GSS દ્વારા તૈયાર કરવામાં આવેલી અધિકૃત સામગ્રી.
Digital Activity Kit
કાર્યક્રમને યોગ્ય રીતે યોજવા માટે જરૂરી Digital સામગ્રી અને ઉપયોગી Resources.
સમાજમાં જાગૃતિ કાર્યક્રમ યોજવાની તક
શાળા, સોસાયટી, પરિવારના સમૂહ અને અન્ય યોગ્ય સંસ્થાઓમાં બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજી શકશો.
તમારા સામાજિક યોગદાનને રજૂ કરવાની તક
પૂર્ણ કરેલા કાર્યક્રમની માહિતી GSS સાથે Share કરીને તમારા સામાજિક કાર્ય અને યોગદાનને રજૂ કરી શકશો.
મહત્વપૂર્ણ
બાળકોની સુરક્ષા સાથે જોડાયેલો આ વિષય સંવેદનશીલ અને જવાબદારીપૂર્ણ છે. તેથી GSS નું નિર્ધારિત પ્રશિક્ષણ અને અંતિમ મૂલ્યાંકન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી જ GSS ના આ કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજી શકાશે.
પ્રશિક્ષણ માટે જોડાઓ
GSS બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમમાં પ્રશિક્ષિત સ્વયંસેવક બનવા માટે પ્રથમ તમારી નોંધણી પૂર્ણ કરો.
પ્રશિક્ષણ માટે નોંધણી
તમારા GSS રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા તમારી સભ્યતા ચકાસો અને નોંધણી પૂર્ણ કરો.
પ્રશિક્ષણ શરૂ કરો
પ્રશિક્ષણના દરેક મોડ્યુલને ક્રમશઃ પૂર્ણ કરો.
બાળ સુરક્ષા સમજીએ
બાળ સુરક્ષા એટલે માત્ર બાળકને શારીરિક જોખમથી બચાવવું એટલું જ નહીં. બાળક પોતાના શરીર, પોતાની લાગણીઓ અને વ્યક્તિગત મર્યાદા વિશે સમજે અને કોઈ પરિસ્થિતિમાં અસ્વસ્થતા અનુભવાય તો મદદ કેવી રીતે મેળવવી તે જાણે — આ પણ બાળ સુરક્ષાનો મહત્વપૂર્ણ ભાગ છે.
બાળકને સૌથી પહેલાં એક સરળ પરંતુ મહત્વપૂર્ણ વાત સમજાવવી જોઈએ:
“તમારું શરીર તમારું છે.”
બાળકને પોતાના શરીર વિશે પ્રશ્ન પૂછવાનો, કોઈ સ્પર્શ ન ગમે તો તે જણાવવાનો અને વિશ્વાસુ મોટી વ્યક્તિ પાસેથી મદદ માંગવાનો અધિકાર છે.
માત્ર અજાણી વ્યક્તિથી સાવધાન રહેવાનું શીખવવું પૂરતું નથી
બાળ સુરક્ષા વિશે વાત કરતી વખતે માત્ર “અજાણી વ્યક્તિથી દૂર રહો” એવું કહેવું પૂરતું નથી.
બાળક માટે મહત્વનું એ છે કે તે વ્યક્તિ કોણ છે તેના કરતાં તેનું વર્તન કેવું છે તે સમજવું.
ઓળખીતું વ્યક્તિ હોય કે અજાણી વ્યક્તિ — કોઈપણ વર્તન કે સ્પર્શથી બાળકને અસ્વસ્થતા, ડર કે ગૂંચવણ અનુભવાય તો બાળકને તે વિશે વિશ્વાસુ મોટી વ્યક્તિને જણાવવાની સમજ હોવી જોઈએ.
બાળકના મનમાં આ વિચાર વિકસાવવો જોઈએ:
“આ વર્તનથી મને સુરક્ષિત લાગે છે કે અસ્વસ્થ?”
યાદ રાખો
બાળકોને ડરાવવાનો હેતુ નથી.
તેમને પોતાના શરીર વિશે સમજ, આત્મવિશ્વાસ અને જરૂર પડે ત્યારે મદદ માંગવાની ક્ષમતા આપવાનો હેતુ છે.
સુરક્ષિત, અસુરક્ષિત અને અસ્વસ્થતા અનુભવાવતો સ્પર્શ
બાળકોને સ્પર્શ વિશે સમજાવતી વખતે માત્ર “સારો સ્પર્શ” અને “ખરાબ સ્પર્શ” જેવા બે ભાગમાં વાતને મર્યાદિત ન કરવી.
બાળકને સમજાવવું જોઈએ કે કોઈ સ્પર્શ તેને સુરક્ષિત, અસુરક્ષિત અથવા અસ્વસ્થ અનુભવી શકે છે.
તમે બાળકને સરળ રીતે કહી શકો:
“ક્યારેક કોઈનો સ્પર્શ આપણને સારું અને સુરક્ષિત અનુભવે છે. પરંતુ કોઈનો સ્પર્શ તમને ન ગમે, ડર લાગે, અસ્વસ્થતા થાય અથવા મનમાં કંઈક ખોટું લાગતું હોય, તો એ લાગણીને અવગણવાની નથી.”
વ્યક્તિગત અંગો વિશે સમજ
બાળકોને વયને અનુરૂપ અને સરળ ભાષામાં સમજાવી શકાય:
“આપણા શરીરના જે ભાગ સામાન્ય રીતે અંદરનાં કપડાંથી ઢંકાયેલા હોય છે તે આપણા અંગત ભાગ છે.”
બાળકને સમજાવવું જરૂરી છે કે તેના શરીરની વ્યક્તિગત મર્યાદા છે.
કેટલીક પરિસ્થિતિમાં માતા-પિતા અથવા સંભાળ રાખતી જવાબદાર વ્યક્તિ બાળકની સ્વચ્છતા અથવા આરોગ્ય માટે મદદ કરી શકે છે. ડૉક્ટર દ્વારા આરોગ્ય તપાસની જરૂર પણ પડી શકે છે. આવી પરિસ્થિતિઓને બાળકની ઉંમર પ્રમાણે સરળ રીતે સમજાવવી.
બાળકની લાગણી મહત્વપૂર્ણ છે
જો બાળક કોઈ સ્પર્શ વિશે કહે:
- “મને આ ગમતું નથી.”
- “મને ડર લાગે છે.”
- “મને અજીબ લાગે છે.”
- “મને અહીંથી જવું છે.”
તો તેની લાગણીને હળવાશથી ન લેવી.
યાદ રાખો
બાળકને દરેક વ્યક્તિથી શંકા રાખવાનું શીખવવાનું નથી.
તેને પોતાની વ્યક્તિગત મર્યાદા ઓળખવાનું અને અસ્વસ્થતા થાય ત્યારે મદદ માંગવાનું શીખવવાનું છે.
બાળક પોતાની સુરક્ષા માટે શું કરી શકે?
બાળકોને મુશ્કેલ પરિસ્થિતિમાં યાદ રહી શકે તેવા સરળ પગલાં શીખવવા જરૂરી છે.
GSS જાગૃતિ કાર્યક્રમમાં ત્રણ સરળ પગલાં સમજાવવામાં આવશે:
1. “ના” કહો
જો કોઈ સ્પર્શ અથવા વર્તન બાળકને ન ગમે અને પરિસ્થિતિમાં શક્ય હોય તો બાળક સ્પષ્ટ રીતે કહી શકે:
“ના, મને આ નથી ગમતું.”
બાળકને સમજાવો કે પોતાની વ્યક્તિગત મર્યાદા માટે “ના” કહેવું ખોટું નથી.
2. ત્યાંથી દૂર જાઓ
જો બાળકને કોઈ પરિસ્થિતિમાં અસુરક્ષિત અથવા અસ્વસ્થ લાગે તો શક્ય હોય તેટલું વહેલું તે સ્થળ અથવા વ્યક્તિથી દૂર જઈને સુરક્ષિત જગ્યાએ જવું.
3. વિશ્વાસુ મોટી વ્યક્તિને કહો
બાળકને સમજાવો કે આવી કોઈ ઘટના થાય તો તે પોતાની વાત મનમાં રાખે નહીં.
માતા, પિતા, શિક્ષક અથવા અન્ય વિશ્વાસુ અને જવાબદાર મોટી વ્યક્તિને જણાવે.
ખાસ કરીને આ વાત સમજાવવી:
“એક વ્યક્તિ તમારી વાત ન સમજે તો બીજી વિશ્વાસુ વ્યક્તિને કહો. તમને મદદ મળે ત્યાં સુધી કહેતા રહો.”
બાળક “ના” ન કહી શક્યું હોય તો?
ક્યારેક ડર, ગૂંચવણ અથવા અચાનક બનેલી ઘટનાને કારણે બાળક કંઈ બોલી શકતું નથી અથવા ત્યાંથી દૂર જઈ શકતું નથી.
આવા સમયે બાળકને ક્યારેય એવું લાગવું જોઈએ નહીં કે તેની ભૂલ હતી.
તે પછી પણ વિશ્વાસુ વ્યક્તિને ઘટના વિશે જણાવી શકે છે.
યાદ રાખો
ના કહો → દૂર જાઓ → વિશ્વાસુ વ્યક્તિને કહો.
બાળકો સાથે આ વિષય પર કેવી રીતે વાત કરવી?
બાળકો સાથે શરીરની સુરક્ષા વિશે વાત કરતી વખતે ભાષા સરળ, શાંત અને તેમની ઉંમરને અનુરૂપ હોવી જોઈએ.
આ કાર્યક્રમ કોઈ ડરાવતું ભાષણ નથી.
તે બાળકો સાથેની સરળ અને સમજાય તેવી જાગૃતિ પ્રવૃત્તિ છે.
કાર્યક્રમ કેવી રીતે શરૂ કરી શકાય?
તમે કહી શકો:
“આજે આપણે આપણા શરીરની સુરક્ષા વિશે કેટલીક સરળ અને મહત્વપૂર્ણ વાતો શીખવાના છીએ.”
અથવા ઉદાહરણ આપો:
“જેમ આપણે રસ્તો પાર કરતાં પહેલાં બંને બાજુ જોઈએ છીએ, તેમ આપણા શરીરને સુરક્ષિત રાખવા માટે પણ કેટલાક નિયમો હોય છે.”
આ રીતે બાળકને શરૂઆતથી જ સમજાશે કે વિષયનો હેતુ તેને ડરાવવાનો નહીં પરંતુ સુરક્ષિત રહેવાની સમજ આપવાનો છે.
બાળકોને પ્રશ્ન પૂછવાની તક આપો
બાળક કોઈ પ્રશ્ન પૂછે અને તમને જવાબની ખાતરી ન હોય તો અનુમાનથી જવાબ ન આપવો.
તમે કહી શકો:
“આ સારો પ્રશ્ન છે. તેની સાચી માહિતી જાણીને તમને સમજાવીશું.”
પરિસ્થિતિ આધારિત પ્રશ્નો ઉપયોગી છે
ઉદાહરણ:
“ધારો કે કોઈ વ્યક્તિ તમને એવી રીતે સ્પર્શ કરે કે તમને બિલકુલ સારું ન લાગે. તમે શું કરશો?”
બાળકોના જવાબ સાંભળ્યા પછી ફરી ત્રણ મુખ્ય પગલાં સમજાવો:
ના કહો → દૂર જાઓ → વિશ્વાસુ વ્યક્તિને કહો.
ભાષા કેવી હોવી જોઈએ?
- સરળ
- શાંત
- ઉંમરને અનુરૂપ
- ડર ન ફેલાવે તેવી
- બાળકને દોષ ન આપે તેવી
- આત્મવિશ્વાસ વધારતી
પ્રશિક્ષિત સ્વયંસેવકે શું ન કરવું?
બાળકો સાથે સંવેદનશીલ વિષય પર વાત કરતી વખતે કેટલીક મર્યાદાઓનું પાલન ખૂબ જ જરૂરી છે.
1. બાળકોને જાહેરમાં વ્યક્તિગત અનુભવ પૂછશો નહીં
આવા પ્રશ્નો ન પૂછવા:
“તમારી સાથે આવું ક્યારેય બન્યું છે?”
“જેની સાથે આવું થયું હોય તે હાથ ઊંચો કરે.”
આવા પ્રશ્નોથી બાળક અસ્વસ્થ થઈ શકે છે અને તેની વ્યક્તિગત માહિતી અન્ય લોકો સામે જાહેર થઈ શકે છે.
2. બાળકો પાસે સ્પર્શનું પ્રદર્શન કરાવશો નહીં
એક બાળક બીજા બાળકને સ્પર્શ કરીને કોઈ પ્રકારનું demonstration કરે તેવી પ્રવૃત્તિ ન કરવી.
જરૂરી સમજ માટે માત્ર GSS દ્વારા આપવામાં આવેલી અધિકૃત Presentation / Visual Material નો ઉપયોગ કરવો.
3. બાળકોને ડરાવશો નહીં
આવા વાક્યો ટાળો:
“બહારના બધા લોકો ખરાબ હોય છે.”
“કોઈ પર વિશ્વાસ ન કરવો.”
આવી ભાષા બાળકમાં અનાવશ્યક ડર પેદા કરી શકે છે.
4. સંબંધના આધારે સુરક્ષા નક્કી ન કરો
માત્ર અજાણી વ્યક્તિ વિશે ચેતવણી આપવી પૂરતી નથી.
બાળકને વ્યક્તિના સંબંધ કરતાં વર્તન અને પોતાની લાગણી ઓળખવાની સમજ આપવી વધુ મહત્વપૂર્ણ છે.
5. પોતાની તરફથી ગંભીર કે ડરાવનારા કિસ્સા ઉમેરશો નહીં
સમાચાર, વિડિયો અથવા કોઈ ઘટનાની ભયજનક વિગતો પોતાની તરફથી કાર્યક્રમમાં ઉમેરવી નહીં.
GSS દ્વારા આપવામાં આવેલી અધિકૃત સામગ્રી અને માર્ગદર્શનને અનુસરવું.
6. કાઉન્સેલર કે તપાસકર્તાની ભૂમિકા ન લો
GSS પ્રશિક્ષિત સ્વયંસેવકનો હેતુ જાગૃતિ ફેલાવવાનો છે.
કોઈ ઘટના અંગે તપાસ કરવી, કોણ સાચું કે ખોટું છે તે નક્કી કરવું અથવા પોતાની રીતે સમાધાન કરાવવું સ્વયંસેવકની ભૂમિકા નથી.
બાળક કોઈ ગંભીર ઘટના વિશે જણાવે તો શું કરવું?
જાગૃતિ કાર્યક્રમ દરમિયાન અથવા કાર્યક્રમ પછી કોઈ બાળક પોતાની સાથે બનેલી કોઈ ગંભીર અથવા ચિંતાજનક ઘટના વિશે સ્વયંસેવકને કહી શકે છે.
આવી સ્થિતિમાં સ્વયંસેવકની પ્રતિક્રિયા ખૂબ જ જવાબદારીપૂર્ણ હોવી જરૂરી છે.
1. શાંતિથી સાંભળો
બાળક પોતાની વાત કહે ત્યારે ગભરાટ, ગુસ્સો અથવા અતિશય આશ્ચર્ય વ્યક્ત કર્યા વગર શાંતિથી સાંભળો.
2. બાળકને દોષ ન આપો
આવા પ્રશ્નો ન પૂછવા:
“તમે ત્યાં ગયા જ કેમ?”
“તમે પહેલાં કેમ ન કહ્યું?”
“તમે ના કેમ ન પાડી?”
તેના બદલે કહી શકાય:
“તમે મને આ વાત કહી તે સારું કર્યું.”
“હું તમારી વાત સાંભળી રહ્યો છું.”
3. તપાસ અથવા વારંવાર વિગતવાર પૂછપરછ ન કરો
ઘટનાની સંપૂર્ણ તપાસ કરવાનો પ્રયત્ન ન કરો.
એક જ વાત વારંવાર પૂછવી, બાળક પાસે ઘટનાની વિગતવાર પુનરાવર્તન કરાવવું અથવા પોતાની રીતે પુરાવા શોધવાનો પ્રયાસ કરવો નહીં.
સ્વયંસેવક તપાસકર્તા નથી.
4. ગુપ્ત રાખવાનું ખોટું વચન ન આપો
બાળકને:
“હું આ વાત કોઈને નહીં કહું.”
એવું વચન ન આપવું.
તેના બદલે કહી શકાય:
“તમારી સુરક્ષા ખૂબ મહત્વપૂર્ણ છે. તમારી મદદ કરી શકે તેવી જવાબદાર વ્યક્તિને આ વિશે જણાવવાની જરૂર પડી શકે છે.”
5. જવાબદાર પુખ્ત વ્યક્તિને જોડો
GSS કાર્યક્રમ દરમિયાન સંબંધિત શાળા, સંસ્થા, સોસાયટી અથવા આયોજક તરફથી જવાબદાર પુખ્ત વ્યક્તિની હાજરી ફરજિયાત રહેશે.
બાળક કોઈ ગંભીર બાબત જણાવે ત્યારે પોતાની રીતે મામલો સંભાળવાનો પ્રયાસ ન કરવો. બાળકની તાત્કાલિક સુરક્ષાને પ્રાથમિકતા આપીને સંબંધિત જવાબદાર પ્રક્રિયા અનુસરવી.
જ્યાં લાગુ પડતું હોય ત્યાં બાળ સુરક્ષા અને કાયદાકીય Reporting સંબંધિત અધિકૃત પ્રક્રિયાનું પાલન કરવું.
6. બાળકની ઓળખ સુરક્ષિત રાખો
બાળકનું નામ, ફોટો, સરનામું, શાળા અથવા તેને ઓળખી શકાય તેવી કોઈ માહિતી નીચેના માધ્યમોમાં share ન કરવી:
- GSS WhatsApp Group
- Social Media
- જાહેર પોસ્ટ
- અનધિકૃત વ્યક્તિ
યાદ રાખો
સાંભળો → બાળકને દોષ ન આપો → પૂછપરછ ન કરો → ગુપ્તતાનું ખોટું વચન ન આપો → બાળકની ઓળખ સુરક્ષિત રાખો → યોગ્ય જવાબદાર પ્રક્રિયા અનુસરો.
જાગૃતિ કાર્યક્રમ ક્યાં અને કેવી રીતે યોજી શકાય?
GSS નું પ્રશિક્ષણ અને અંતિમ મૂલ્યાંકન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી સ્વયંસેવકને આગળની પ્રક્રિયા મુજબ GSS પ્રશિક્ષણ પ્રમાણપત્ર અને GSS અધિકૃત કાર્યક્રમ પત્ર આપવામાં આવી શકે છે.
ત્યારબાદ અધિકૃત GSS સામગ્રીનો ઉપયોગ કરીને યોગ્ય સ્થળે જાગૃતિ કાર્યક્રમ યોજી શકાય છે.
કાર્યક્રમ ક્યાં યોજી શકાય?
યોગ્ય પરવાનગી સાથે કાર્યક્રમ આ પ્રકારના સ્થળો અથવા સમૂહોમાં યોજી શકાય:
- શાળા
- Residential Society
- બાળકોના સ્થાનિક સમૂહ
- પરિવારના સમૂહ
- સામાજિક સંસ્થા
- Community Program
- બાળકો સાથે કાર્ય કરતી અન્ય યોગ્ય સંસ્થા
કાર્યક્રમ પહેલાં
- સંબંધિત શાળા, સોસાયટી, સંસ્થા અથવા આયોજકની પરવાનગી મેળવો.
- જરૂર પડે ત્યારે GSS અધિકૃત કાર્યક્રમ પત્ર રજૂ કરો.
- બાળકોની અંદાજિત ઉંમર અને સંખ્યા જાણો.
- જવાબદાર પુખ્ત વ્યક્તિની હાજરી નક્કી કરો.
- GSS દ્વારા આપવામાં આવેલી અધિકૃત Presentation / PDF અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરો.
જવાબદાર પુખ્ત વ્યક્તિની હાજરી ફરજિયાત છે
GSS પ્રશિક્ષિત સ્વયંસેવક બાળકો સાથે આ કાર્યક્રમ એકલા યોજી શકશે નહીં.
કાર્યક્રમ દરમિયાન સંબંધિત શાળા, સંસ્થા, સોસાયટી અથવા આયોજક તરફથી જવાબદાર પુખ્ત વ્યક્તિની હાજરી ફરજિયાત રહેશે.
કાર્યક્રમ દરમિયાન
- સરળ અને ઉંમરને અનુરૂપ ભાષા વાપરો.
- GSS દ્વારા આપવામાં આવેલી અધિકૃત સામગ્રીને અનુસરો.
- બાળકોને પ્રશ્ન પૂછવાની તક આપો.
- વ્યક્તિગત અનુભવ જાહેરમાં પૂછશો નહીં.
- બાળકો પાસે સ્પર્શનું demonstration કરાવશો નહીં.
- બાળકોમાં ડર પેદા થાય તેવી ભાષા વાપરશો નહીં.
GSS દ્વારા તૈયાર કરવામાં આવતો મૂળ જાગૃતિ કાર્યક્રમ આશરે 25–30 મિનિટમાં પૂર્ણ કરી શકાય તે રીતે રાખવામાં આવશે.
કાર્યક્રમના ફોટા અંગે
કોઈપણ બાળકનો એકલ અથવા વ્યક્તિગત ફોટો લેવામાં આવશે નહીં.
કાર્યક્રમના Documentation માટે માત્ર Group Photo લઈ શકાય અને તે પણ સંબંધિત શાળા, સોસાયટી, સંસ્થા અથવા આયોજકની પરવાનગી મળ્યા પછી જ.
જો ફોટા માટે પરવાનગી ન મળે તો ફોટા વગર પણ કાર્યક્રમ યોજી શકાય છે.
GSS ને કાર્યક્રમની માહિતી મોકલવા માટે બાળકનો ફોટો ફરજિયાત નથી.
બાળકનું નામ અથવા તેને વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી જાહેર કરવી નહીં.
GSS કાર્યક્રમના મહત્વપૂર્ણ નિયમો
GSS બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ સાથે જોડાતા દરેક પ્રશિક્ષિત સ્વયંસેવકે નીચેના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
1. પ્રશિક્ષણ અને મૂલ્યાંકન પહેલાં કાર્યક્રમ નહીં
GSS નું નિર્ધારિત પ્રશિક્ષણ અને અંતિમ મૂલ્યાંકન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા વગર GSS ના આ કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવો નહીં.
2. અધિકૃત GSS સામગ્રીનો ઉપયોગ કરો
કાર્યક્રમ માટે GSS દ્વારા આપવામાં આવેલી Presentation / PDF, માર્ગદર્શિકા અને અન્ય અધિકૃત સામગ્રીનો જ ઉપયોગ કરવો.
3. જરૂરી પરવાનગી મેળવો
શાળા, સોસાયટી, સંસ્થા અથવા અન્ય સ્થળે કાર્યક્રમ યોજતાં પહેલાં સંબંધિત આયોજક અથવા જવાબદાર વ્યક્તિની જરૂરી પરવાનગી લેવી.
4. જવાબદાર પુખ્ત વ્યક્તિની હાજરી ફરજિયાત
GSS પ્રશિક્ષિત સ્વયંસેવક બાળકો સાથે કાર્યક્રમ એકલા યોજી શકશે નહીં.
5. બાળકોની સંવેદનશીલ વ્યક્તિગત માહિતી એકત્ર ન કરો
કાર્યક્રમ દરમિયાન બાળકો પાસેથી જાહેરમાં તેમની વ્યક્તિગત અથવા સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ ન કરવો.
6. બાળકની ગોપનીયતા અને ગૌરવનું રક્ષણ કરો
બાળકની ઓળખ, વ્યક્તિગત અનુભવ અને સંવેદનશીલ માહિતીનું રક્ષણ હંમેશાં પ્રાથમિકતા રહેશે.
7. વ્યક્તિગત બાળકનો ફોટો નહીં
કોઈપણ બાળકનો એકલ ફોટો ન લેવો.
પરવાનગી મળ્યા બાદ માત્ર કાર્યક્રમનો Group Photo લઈ શકાય.
8. કોઈ ગંભીર ઘટના જાણવા મળે તો પોતાની રીતે તપાસ કે સમાધાન નહીં
સ્વયંસેવક પોતાની રીતે તપાસ, આરોપીની પૂછપરછ, બંને પક્ષ વચ્ચે સમાધાન અથવા ઘટનાનો જાહેર પ્રચાર નહીં કરે.
યોગ્ય જવાબદાર પ્રક્રિયા અનુસરવી.
9. કાર્યક્રમ પૂર્ણ થયા પછી માહિતી GSS ને મોકલો
કાર્યક્રમ ક્યાં યોજાયો, અંદાજિત કેટલા બાળકો જોડાયા અને જરૂરી Program Details GSS ને મોકલી શકાય જેથી GSS દ્વારા સામાજિક અસરનો રેકોર્ડ રાખી શકાય.
10. GSS ની ઓળખનો અનધિકૃત ઉપયોગ નહીં
GSS નું નામ, Logo, Certificate, Letter અથવા Program Material માત્ર તેના નિર્ધારિત હેતુ માટે જ ઉપયોગ કરવો.
11. પ્રશિક્ષણ કોઈ કાયદાકીય સત્તા આપતું નથી
GSS પ્રશિક્ષણ પ્રમાણપત્ર અથવા કાર્યક્રમ પત્રથી કોઈ સરકારી, કાયદાકીય, પોલીસ અથવા વ્યાવસાયિક સત્તા મળતી નથી.
તે GSS દ્વારા આપવામાં આવેલા પ્રશિક્ષણ અને કાર્યક્રમ સાથેના જોડાણની ઓળખ છે.
આ પ્રશિક્ષણ પૂર્ણ કર્યા પછી નીચેની મુખ્ય બાબતો યાદ રાખો:
બાળકને ડરાવવાનું નથી — તેને પોતાની સુરક્ષા અંગે સક્ષમ બનાવવાનું છે.
બાળકને પોતાની લાગણી અને વ્યક્તિગત મર્યાદા સમજવામાં મદદ કરવાની છે.
બાળકને “ના કહો → દૂર જાઓ → વિશ્વાસુ વ્યક્તિને કહો” સમજાવવાનું છે.
બાળક કોઈ ગંભીર વાત જણાવે તો તેની પોતાની રીતે તપાસ કરવાની નથી.
બાળકની સુરક્ષા, ગૌરવ અને ગોપનીયતા હંમેશાં પ્રથમ છે.
હવે આગળ શું?
તમે તમામ Training Module પૂર્ણ કર્યા છે.
હવે GSS નું અંતિમ મૂલ્યાંકન પૂર્ણ કરો.
મૂલ્યાંકન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી તમારી વિગતોની ચકાસણી કરીને GSS પ્રશિક્ષણ પ્રમાણપત્ર અને કાર્યક્રમ માટેની આગળની પ્રક્રિયા અંગે તમને જાણ કરવામાં આવશે.
તમે પ્રશિક્ષણના તમામ મોડ્યુલ પૂર્ણ કર્યા છે. હવે અંતિમ મૂલ્યાંકન શરૂ કરો.